મુંબઈ, તા.૨૬
છેલ્લા ઘણા સમયથી બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી અને તેની પત્ની વચ્ચે વિવાદની ભારે ચર્ચા થઈ રહી છે. આ મામલે હવે નવાઝે કાયદાની મદદ લીધી છે.
નવાઝુદ્દિન સિદ્દીકીએ બોમ્બે હાઈકોર્ટમાં તેના ભાઈ શમસુદ્દીન વિરુદ્ધ ૧૦૦ કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. નવાઝે તેના ભાઈની સાથે તેની પૂર્વ પત્ની અંજના પાંડે વિરુદ્ધ પણ કેસ દાખલ કર્યો છે. નવાઝે તેના ભાઈ પર છેતરપિંડી અને તેના પૈસાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે ૩૦ માર્ચે સુનાવણી થશે.
કોર્ટમાં દાખલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૦૮માં જ્યારે શમશુદ્દીન પાસે કામ ન હતું ત્યારે નવાઝે તેને પોતાના મેનેજર તરીકે રાખ્યો હતો. આ સાથે તે ઓડિટ, ટેક્સ ભરવા અને જીએસટી ભરવા સહિતનું કામ જાેતો. જેથી નવાઝ અભિનય પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકે. તેથી તેણે તેના ક્રેડિટ કાર્ડ્સ, ડેબિટ કાર્ડ્સ, સહી કરેલી ચેકબુક, બેંક પાસવર્ડ્સ, ઇમેઇલ જેવી વસ્તુઓ તેના ભાઈ સાથે શેર કરી હતી.
અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે ત્યારપછી શમસુદ્દીને તેની સાથે છેતરપિંડી કરી હતી. તેણે સંયુક્ત નામે મિલકત ખરીદી અને નવાઝને કહ્યું હતું કે તેણે તેના નામે મિલકત ખરીદી છે. આ પ્રોપર્ટીમાં એક ફ્લેટ, એક કોમર્શિયલ પ્રોપર્ટી, અન્ય એક મિલકત, શાહપુરમાં એક ફાર્મ હાઉસ, દુબઈમાં એક પ્રોપર્ટી અને રેન્જ રોવર, મ્સ્ઉ, દુકાટી સહિત ૧૪ વાહનોનો સમાવેશ થાય છે. નવાઝે પૂર્વ પત્ની અંજના પાંડે પર ૨૦ કરોડ રૂપિયાની ગેરરીતિનો આરોપ પણ લગાવ્યો છે. શમસુદ્દીને વર્ષ ૨૦૨૦ થી નવાઝ સાથે કામ કરવાનું બંધ કરી દીધું હતું, ત્યારબાદ નવાઝને આવકવેરા, જીએસટી અને અલગ-અલગ સરકારી વિભાગો તરફથી ૩૭ કરોડ રૂપિયાની નોટિસ મળી હતી.