મોહમ્મદ સઇદ શેખ
આજની યુવા પેઢી
(જૂની પેઢી પણ) સોશિયલ મીડિયાના નશાથી બાકાત નથી. જૂનીપેઢીના આધેડવયના લોકો પૈસા
કમાઇ કરી ઠરીઠામ થઇ ગયા હોય અને એમની પાસે પૂરતો સમય પણ હોય એ લોકો સોશિયલ
મીડિયાનો ઉપયોગ સમજદારી પૂર્વક કરતા હોય તો કોઇનો વાંધો ન હોય. ખરી ચિંતા યુવાનો
માટે છે. કારણ કે આ ઉમર ખૂબ જ લાગણીશીલ અને નાજુક હોય છે. જો આમાં યુવાનો (યુવતીઓ
પણ સામેલ છે એમ સમજવું) પોર્નોગ્રાફીક વેબસાઇટો અને ગેમીંગના રવાડે ચઢી જાય તો
જીવન બરબાદ કરી નાખવાનો ભય રહે છે. બીજી સૌથી મહત્ત્વની બાબત એ છે કે યુવાનો માટે
કારકિર્દી ઘડતર માટે સૌથી શ્રેષ્ઠ સમય હોય છે. એટલે એમ તો અભ્યાસ અને કારકિર્દી
ઉપર ફોકસ કરવું જોઇએ. નહિતર એવું પણ થઇ શકે કે શાળા કોલેજમાં સારૂં પરિણામ ન આવે
તો નોકરી માટે પણ મુશ્કેલી ઊભી થાય. માતાપિતાએ પણ ધ્યાન રાખવું જોઇએ કે બાળકો
મર્યાદામાં સ્માર્ટફોનનો ઉપયોગ કરે. જો મોડી રાત્રે તેઓ ગેમ રમતા હોય કે ઇન્ટરનેટ
ઉપર ન જોવાનું જોતા હોય તો એમને સમજાવવું જોઇએ અને કારકિર્દીના ઘડતર ઉપર ધ્યાન
અપાવવું જોઇએ.
આપણા દેશમાં
સાયકોલોજીના અધ્યાપકો ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાની લોકો ઉપર અને ખાસ કરીને
યુવાનો-યુવતીઓ ઉપર શી અસર થાય છે એવો અભ્યાસ કરે છે કે નહીં એની આપણને ખબર નથી.
પરંતુ યુરોપ - અમેરિકાની યુનિવર્સિટીઓના પ્રધ્યાપકો આ બાબતે ગંભીર રીતે અભ્યાસ કરે
છે અને પોતાના તારણો જર્નલો કે પુસ્તકોમાં પ્રસિદ્ધ કરે છે. આવા જ એક પ્રધ્યાપક
આદમ સોલ્ટર ન્યુયોર્ક યુનિવર્સિટીમાં સાયકોલોજી અને માર્કેટિંગના એસોસીએટ પ્રોફેસર
છે. એમણે આ જ બાબતે એક પુસ્તક લખ્યું છે “ઇરરેસીસ્ટીબલ : ધ રાઇજ ઓફ એડીક્ટીવ ટેકનોલોજી એન્ડ ધ બિઝનેસ ઓફ કીપીંગ અસ
હુકડ.” એમનું માનવું છે
કે જેવી રીતે માણસ કેફી દ્રવ્યોનો બંધાણી હોય છે એમ આજે વિશ્વના લગભગ ૪૧% લોકો
સ્માર્ટફોન થકી ઇન્ટરનેટ અને ખાસ કરીને સોશિયલ મીડિયાના બંધાણી થઇ ગયા છે. દરેક
માણસ લગભગ દરરોજ ૩ કલાક મોબાઇલ ફોન નો ઉપયોગ કરે છે. યુવાનો ગેમ રમવાના બંધાણી થઇ
ગયા છે. એમણે આ પુસ્તક લખતી વખતે એક યુવાન સાથે મુલાકાત કરી હતી. એણે જણાવ્યું
હતું કે હું સતત ૪૫ દિવસથી વીડીયો ગેમ રમી રહ્યો છું ! થોડા દિવસ પછી ખબર પડી કે
એને વોશિંગ્ટનના રિહેબિલિટેશન કેન્દ્રમાં સારવાર લેવી પડી હતી !
કેફી દ્રવ્યોના
ઉપયોગ સામે મોટાભાગના દેશોમાં કાયદાઓ છે. નશો કરનારાઓને સજા કરવામાં આવે છે અથવા
તો રિહેબિલિટેશન કેન્દ્રોમાં સારવાર આપી એમને નશાના બંધનમાંથી છોડાવવામાં આવે છે.
પરંતુ આશ્ચર્યની
વાત આ છે દુનિયાના બે ત્રણ દેશોને બાદ કરતા મોબાઇલ ફોન, ઇન્ટરનેટ અને ગેમીંગના નશા વિરૂધ્ધ કોઇ કાયદો
નથી. દક્ષિણ કોરીયા અને ચીનમાં આવા કાયદાનો સુઝાવ આવ્યો છે. જેને તેઓ સિન્ડ્રેલા
લોઝ કહે છે. આના થકી બાળકો મધ્યરાત્રિ પછી ગેમ ન રમે એ જોવાનું છે. એક સર્વેમાં જાણવા મળ્યું છે કે લગભગ ૬૦% લોકો
રાત્રે ઊંઘે ત્યારે ઓશિકાની બાજુમાં ફોન મૂકે છે ! અને ઘણા તો રાત્રે ઊઠીને ઇમેઇલ
ચેક કરે છે !
આજે આપણે બધા
સોશિયલ મીડિયાના એવા બંધાણી થઇ ગયા છે કે એક ક્ષણ પણ એનાથી દૂર થવું આપણા માટે
મુશ્કેલ થઇ ગયું છે. આપણે ફેસબુક, ટવીટર કે
ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલી લાઇક મળી એ જોવા વારંવાર ફોનનો ઉપયોગ કરીએ છીએ. તમે ટવીટર
ઉપર કે ફેસબુક ઉપર ૨૪ કલાક બેસી રહો તો પણ એમાં થતું ફીડીંગ ઓછું નહીં થાય. તમે
થાકી જશો. પણ ફીડીંગ બંધ નહીં થાય. કારણ કે માર્કેટીંગ ની આ રીત છે કે દરેક ક્ષણે
એવું કન્ટેન્ટ નાંખવામાં આવે છે કે તમે લોભાઇ જાવ. આ એમના ધંધાની ટેકનીક છે. આ
બિઝનેસ મોડેલ છે એમનું.
બે પ્રશ્ન એ છે
કે આનાથી બચવું કેવી રીતે ? એ આપણા અખત્યારની
વાત છે. એમાં કોઇ કંપની બળજબરી ના કરી શકે. સૌથી સારી વાત આ છે કે કોઇ એક મર્યાદિત
સમય નક્કી કરી લો. ઉદાહરણ તરીકે માત્ર એડધો કલાક હું ફેસબુક કે વોટ્સએપ કે
ઇન્સ્ટાગ્રામ જોઇશ પછી તરત ફોન બંધ કરી દઇશ. પોતાની જાત ઉપર આ રીતે કાબૂ કરશો તો
તમે તમારો કિમતી સમય તો બચાવશો જ પણ તમારી સર્વનાત્મકતા ને પણ બચાવી શકશો. આ નશાએ
બધાને માત્ર ‘ફોરવર્ડ’ કરવાને કાબેલ કર્યા છે. પરંતુ પોતાની રીતે
વિચારવાનું બંધ કરાવી દીધું છે. તેથી જો તમે પોતે નિશ્ચય કરો કે હું દિવસની માત્ર
અમુક મિનિટો જ સોશિયલ મીડિયા ઉપર કે ગેમ રમવા માટે આપીશ તો તમે નશામાંથી છુટકારો
મેળવી શકો ચો. બીજું એક કામ એ કરવું જોઇએ કે બધી નોટિફીકેશન્સ બંધ કરી દેવા જોઇએ.
નહીં તો વારંવાર એ તમને પોતાની તરફ ખેંચશે અને તમે ફરીથી ફોન લઇને બેસી જશો અને
તમારા મહત્ત્વના કામ બાજું ઉપર રહી જશે.
ટૂંકમાં, આ નશાથી બચવાનો એક જ ઉપાય છે ‘મર્યાદિત ઉપયોગ.’ તમારૂં મગજ પણ સ્વસ્થ રહેશે અને તમે બીજા કામ
ઉપર ફોકસ કરી શકશો અને તમારી સર્જનાત્મકતા પણ જાળવી રાખશો.
મેં તો આ ટેકનીક
શરૂ કરી દીધી છે. તમારો શો વિચાર છે ?