કહેવાય છે કે, કળા અને કૌશલ્યએ કોઈની ધર્મ કે જાતિની જાગીર નથી હોતી તેમાંય યોગમાં કૌશલ્ય મેળવવું ખૂબ જ કઠિન કામ છે. પરંતુ આપણે જાણીને ખુશી થશે કે, જૂનાગઢના વંથલીના એક મુસ્લિમ બાળકે યોગમાં ગોલ્ડમેડલ મેળવી અનોખી સિદ્ધિ મેળવી છે. ૨૧ જૂને દિલ્હીમાં યોજાયેલ રાષ્ટ્રીય યોગ સ્પર્ધાના વિજયોત્સવ કાર્યક્રમમાં જયારે ગોલ્ડમેડલ માટે જાહેરાત થઇ ત્યારે હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો હતો કારણ કે, ગોલ્ડમેડલ ગુજરાતે જીત્યો હતો અને એ ગોલ્ડમેડલ જીતાડનાર બાળકનું નામ હતું શાહનવાઝ. શાહનવાઝ જૂનાગઢ જિલ્લાના વંથલી ગામનો રહીશ છે અને તેના પિતા દાઉદભાઈ છકડો રિક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે. ત્રણ બહેનોનો એકનો એક ભાઈ શાહનવાઝ ૭મા ધોરણમાં અભ્યાસ કરે છે. પરંતુ કુદરતે શાહનવાઝમાં એવીતો ખૂબીઓ આપી છે કે, પાવર યોગામાં તે ખૂબ જ પાવરધો છે. શાહનવાઝ રબ્બરની માફક પોતાનું શરીર ગમે તેમ વાળી શકે છે. શાહનવાઝનું કહેવું છે મારે એક દિવસ ઓલિમ્પિકમાં ગોલ્ડમેડલ જીતીને દેશનું ગૌરવ વધારૂં છે. શાહનવાઝને નાનપણથી જ યોગ અને કસરતનો શોખ હતો એટલે રિક્ષા ચલાવતા તેના પિતા દાઉદભાઈ વાજાએ તેને પ્રોત્સાહન આપ્યું સામાન્ય પરિસ્થિતિમાં જીવન જીવતા દાઉદભાઈ અને પરિવારે ચુસ્ત મુસ્લિમ છે પરંતુ પરિવારે જ શાહનવાઝને યોગ અભ્યાસમાં સહકાર આપ્યો બીજી તરફ શાહનવાઝ જે શાળામાં આભ્યાસ કરે છે તે શાળાના સંચાલકોએ પણ શાહનવાઝની કુદરતી ખુબીને આગળ વધવા માટે સહકાર આપવા લાગ્યા શાળા અને પરિવાર તરફથી મહેનતના પરિણામ સ્વરૂપે આજે શાહનવાઝે ગુજરાતને મોટું ગૌરવ અપાવ્યું છે. શાહનવાઝની ઉંમર ૧૨ વર્ષની છે પરંતુ તેનું ટેલેન્ટ જોતા તે યોગા તેમજ જિમ્નાસ્ટિકમાં ખૂબ જ આગળ વધી શકે તેમ છે. જો સરકાર અત્યારથી જ શાહનવાઝને યોગ્ય તાલીમ અને માર્ગદર્શન પૂરૂં પડે તો શાહનવાઝ ઓલિમ્પિકમાં પણ ગોલ્ડમેડલ મેળવી દેશનું અને ગુજરાતનું નામ રોશન કરી શકે તેમ છે.