પાટણ નજીક આવેલ ધારપુર મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના તબીબોની ટીમે બનાસકાંઠા જિલ્લાના ડીસાની દર્દથી કણસતી મહિલા દર્દીના પેટનું ઓપરેશન કરી અંદાજે ર૦થી રપ કિલોની ગાંઠ સફળતાપૂર્વક બહાર નિકાળી દર્દીને નવજીવન આપ્યું હતું. તબીબી ભાષામાં આ ગાંઠને અંડાશયની ગાંઠ કહેવાય છે. જે પેટમાં દિવસે-દિવસે મોટી થતા અને અંદાજે રપ કિલો વજનના કારણે પેટ ફૂલી જતા મહિલા દર્દી માટે ઊઠવું, બેસવું અને ચાલવું અશક્ય બન્યું હતું.
બનાસકાંઠા જિલ્લાના ડીસાના ક્રિષ્નાબેન મેવાજી ઠાકોર (ઉ.વ.૪૦) ગત તા. ૧૮/૪/ર૦૧૮ના રોજ પાડોશી સાથે અત્રેની ધારપુર મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર અર્થે આવ્યા હતા. જેઓની સ્થિતિ જોઈ તાત્કાલિક સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ લોહીના રિપોર્ટ કરાવતા લોહીના માત્ર ૪ ટકા આવેલ. જેથી લાહી વધારવાના ઈન્જેક્શનો તથા લોહીની બોટલો ચઢાવી એનિમિયાની સ્થિતિમાંથી બહાર લાવેલ, લોહીના કણોમાં પ્લેટલેટ કાઉન્ટ પણ ૪૦ હજાર હતા જે સામાન્ય રીતે દોઢ લાખથી સાડા ચાર લાખની રેન્જમાં હોવા જોઈએ તેની સારવાર આપતા છેલ્લે પ્લેટલેટ કાઉન્ટ બે લાખ બાવીસ હજાર થયા.
ક્રિષ્નાબેનની શારીરિક સ્થિતિ ઓપરેશન લાયક જણાતા આજે સર્જરી વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડૉ. એચ.ડી.પાલેકર, ડૉ. આકાશ અગ્રવાલ, ડૉ. રશ્મિન કલાસવા, એન્સ્થેસિયા વિભગાના ડૉ. દક્ષિત મોઢ, ડૉ. શિલ્પિનભાઈ તથા પ્રકાશસિંહ રાજપૂત, પલ્કેશ પટેલ સહિત નર્સિંગ સ્ટાફ ઓપરેશનમાં જોડાયો હતો અને ૪ કલાકની જહેમત બાદ સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડી મહિલા દર્દી ક્રિષ્નાબેનના પેટમાંથી અંદાજે ર૦થી રપ કિલો વજનની અંડાશયની ગાંઠ બહાર નીકાળી હતી.
ધારપુર સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર માટે આવેલી મહિલા દર્દીને ડૉ. એચ.ડી. પાલેકરની દેખરેખ હેઠળ સાથી તબીબોએ ૧પ દિવસ સુધી સઘન સારવાર આપી સફળ ઓપરેશન કરી નવજીવન આપ્યું હતું.