નવી દિલ્હી, તા.૩
સિનિયર એશિયન ચેમ્પિયનશીપના ૬પ કિલોગ્રામ વર્ગમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા પહેલવાન બની નવજોત કૌરે ઈતિહાસ સર્જ્યો છે. નવજોતે જાપાનની મિયા ઈમાઈને ૯-૧થી હરાવી ગોલ્ડ મેડલ જીત્યો. આ ચેમ્પિયનશીપમાં ભારતનો આ પ્રથમ ગોલ્ડ મેડલ છે. આ ઉપરાંત રિયો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષી મલિકે બ્રોન્ઝ મેડલ જીત્યો. સાક્ષીએ ૬ર કિલોગ્રામ ફ્રી સ્ટાઈલ વર્ગમાં કઝાકિસ્તાનની અર્યોલમ કેસીમોવાને ૧૦-૭થી હરાવી. આ બે મેડલોની સાથે આ ચેમ્પિયનશીપમાં ભારતના મેડલોની સંખ્યા ૬ થઈ ગઈ છે. જેમાં એક ગોલ્ડ, એક સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે નવજોત કૌરે એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપની સેમિફાઈનલમાં મંગોલિયાની રેસલર સેવેઝમેડને ર-૧થી પરાજય આપ્યો હતો. ફાઈનલ મુકાબલામાં નવજોત કૌરે શાનદાર પ્રદર્શન કર્યું. જેનાથી આ મુકાબલો એકતરફી થઈ ગયો.