FRDI બિલ દ્વારા મોદી સરકારનું એક નવું તૂત !! થાપણદારોનું હિત જળવાશે ખરું ?

FRDI બિલ દ્વારા મોદી સરકારનું એક નવું તૂત !! થાપણદારોનું હિત જળવાશે ખરું ?



ગુજરાતમાં વડાપ્રધાન શ્રી જાહેર સભાઓમાં આ પગલાંને એક અફવા ગણાવતા હતા અને દુષ્પ્રચાર કરતા હતા. ખરેખર તો FRDI બિલ જોઈન્ટ કમિટી પાસે છે અને તે તેને મંજૂરી આપે એટલે સંસદમાં મૂકવાની પ્રક્રિયા શરૂ થનારી છે. નાણામંત્રી અરૂણ જેટલી એમ કહેતા માલૂમ પડ્યા છે કે, FRDI, જોઈન્ટ કમિટી પાસે પડતર છે એટલે તેના ઉપર હજુ નિર્ણય લેવાયો નથી. આવા સંજોગોમાં થાપણદારોનું હિત જળવાય અને બેંકિંગ પદ્ધતિમાંથી તેમનો વિશ્વાસ ના હટે તે જોવાની જવાબદારી શાસકોની છે. આ મોદી સરકારનું ત્રીજું નાણાકીય તૂત છે તેથી પ્રજાએ જાગૃત રહેવાની જરૂર છે, નહીંતર નોટબંધી અને જીએસટીમાં થયેલી હાનિનું પુનરાવર્તન થશે.

સેન્ટ્રલ સ્ટેટીસ્ટિક્સ બ્યૂરો દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ ગ્રાહક ભાવ સૂચક અંક આધારિત છૂટક ફુગાવાનો દર નવેમ્બર માસમાં વધીને ૪.૮૮ ટકા થયો હતો જે છેલ્લા ૧પ મહિનાની સૌથી ઊંચી સપાટીએ છે. બળતણ, શાકભાજી વગેરેના વધેલા ભાવોના કારણે આમાં વધારો થયો છે. ઔદ્યોગિક ઉત્પાદનનો
 વિકાસ દર છેલ્લા ત્રણ મહિનામાં નીચી સપાટીએ પહોંચ્યો છે. ગ્રાહક વપરાશી વસ્તુઓનું ઉત્પાદન ઘટ્યું છે. આમ જોતા દેશમાં મોંઘવારી વધી છે અને ઉત્પાદન ઘટ્યું છે.

દેશની આવી પરિસ્થિતિ છે ત્યારે જાહેર ક્ષેત્રની બેંકોમાં ખાતેદારોએ મૂકેલી ડિપોઝીટોના નાણાં સલામત નથી. મોદી સરકાર ફાયનાન્શિયલ રેસોલ્યુશન એન્ડ ડિપોઝીટ ઈન્સ્યોરન્સ બિલ ર૦૧૭ (એફઆરડીઆઈ) સંસદમાં લાવવા જઈ રહી છે. આની અંદર સરકારી નાણાકીય સંસ્થા નબળી પડે, તેવી બેન્કોના લાભાર્થે ખાતેદારોના નાણાં વાપરી શકવાની જોગવાઈ છે. આ બિલ દેશની નાણાં સંસ્થાઓ ફડચામાં જાય, નાદારી નોંધાવે અથવા કફોડી આર્થિક સ્થિતિમાં આવે ત્યારે તેની મિલકતો અને જવાબદારીઓની તબદિલી કરી શકે. ટૂંકમાં બેંકોનું ઉઠમણું થાય તો તેમાં મૂકવામાં આવેલા નાણાં પરત કરવાની કેન્દ્ર સરકારની કોઈ જવાબદારી બનતી નથી. અત્યારના કાયદા મુજબ રૂા.૧,૦૦,૦૦૦નું વીમા કવચ છે. તેમાં સુધારો કરીને કેટલી રકમનું થશે તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી. કાનૂની ખર્ચ અને અન્ય ખર્ચાઓ બાદ કર્યા પછી બેન્ક પાસે કોઈ રૂપિયા વધ્યા હશે તો તેનો ઉપયોગ બેન્ક કર્મચારીઓને એક વર્ષનો પગાર ચૂકવવા કરવામાં આવશે અને આ બધું કર્યા પછી જે કઈ પૈસા કે મિલકત બચી હશે તો તે નાણાં બેન્કના ગ્રાહકોને આપવા માટે કરવામાં આવશે. સમગ્ર એફઆરડીઆઈ બિલ ઉપર નજર કરતા લાગે છે કે આમાં થાપણદારોનું હિત જળવાતું નથી.
નાણાં સંસ્થાઓ અને બેન્કોનું નિયમન કરવા માટે ફાયનાન્શિયલ રેસોલ્યુશન કોર્પોરેશનની રચના કરવામાં આવશે. આ કોર્પોરેશન બેન્કને ફડચામાં લઈ જવાની અને જમા પડેલી થાપણોના વીમાને લાગણી બાબતો ધ્યાનમાં રાખશે. આ રકમ ક્યારે પરત આપવી, કઈ રીતે પરત કરવી, કરવી કે નહીં તે મુદ્દો આ બિલથી હવે નક્કી કરાશે. દેશની બેન્કોમાં આજે અંદાજે ૧૦૬ લાખ કરોડની જમા થાપણો છે જે નાનામાં નાના લોકોની-ગરીબોની પરસેવાની કમાણી છે. આ બિલ સંસદમાં મૂકાય તે પહેલાં થાપણદારોએ, પ્રજાએ જાગવું જોઈએ અને તેના નિયમો ઘડવામાં પોતાનું યોગદાન આપવું જોઈએ નહીંતર, આ બિલ નોટબંધી અને જીએસટી પછી દેશની થયેલી પરિસ્થિતિમાં આ ત્રીજો મુદ્દો લોકોની મુશ્કેલીઓ વધારશે. સરકારે પારદર્શિતા રાખી યોગ્ય જરૂરી માહિતી પ્રજાને આપવી જોઈએ. થાપણદારોએ તો એટલી માગણી કરવી જોઈએ કે પોતાની થાપણ સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખવામાં આવે.

ગુજરાતમાં વડાપ્રધાન શ્રી જાહેર સભાઓમાં આ પગલાંને એક અફવા ગણાવતા હતા અને દુષ્પ્રચાર કહેતા હતા. ખરેખર તો એફઆરડીઆઈ બિલ જોઈન્ટ કમિટી પાસે છે અને તે તેને મંજૂરી આપે એટલે સંસદમાં મૂકવાની પ્રક્રિયા શરૂ થનારી છે. નાણામંત્રી અરૂણ જેટલી એમ કહેતા માલૂમ પડ્યા છે કે, એફઆરડીઆઈ, જોઈટ કમિટી પાસે પડતર છે એટલે તેના ઉપર હજુ નિર્ણય લેવાયો નથી. આવા સંજોગોમાં થાપણદારોનું હિત જળવાય અને બેંકિંગ પદ્ધતિમાંથી તેમનો વિશ્વાસ ના હટે તે જોવાની જવાબદારી શાસકોની છે. આ મોદી સરકારનું ત્રીજું નાણાકીય તૂત છે તેથી પ્રજાએ જાગૃત રહેવાની જરૂર છે, નહીંતર નોટબંધી અને જીએસટીમાં થયેલી હાનિનું પુનરાવર્તન થશે.