અત્યાર સુધી ઘણાં બધા વિષયો પર મોટાં મોટાં લેખો લખાઇ ચૂક્યાં છે, પરંતુ આજે હું એ વિષય પર લેખ લખી રહ્યો છું જેનો અનુભવ સમગ્ર વિશ્વની માનવજાત ને થયો હશે એ ચોક્કસ છે.
આજે વાત કરવી છે - બાળપણ નાં દિવસો ની યાદોં ની - બાળપણ કે બચપન જે કહો, તેની યાદ માનવી ને મરતે દમ તક યાદ રહે છે...
કેટલા મધુર, કેટલા સુંદર અને કેટલાં ભવ્ય હતાં એ દિવસો. હું જ્યારે બાલમંદિરમાં ભણતો હતો તે સમયે મારા પિતાશ્રી એ જે લાડ લડાવેલા તે યુવાન થયો ત્યાં સુધી ચાલુ રહ્યાં.
એ દિવસોમાં ઉત્તરાયણ ને હજી ૧૫ દિવસની વાર હોય ત્યારે જ મારા પિતાજી અમો ભાઇ-બહેનો માટે ઢગલાબંધ પતંગો, ફીરકી વગેરે લઇ આવે. ઉત્તરાયણ ની આગલી રાત્રે નાસ્તો કરતાં કરતાં પતંગોને કિન્યા બાંધતા, વહેલી સવારે ધાબા પર ચડી, પતંગો ઉડાડતાં. પપ્પા પતંગ ઉડાવે, અમે ફિરકી પકડીએ, સાથે સાથે પતંગ લુંટવાની પણ મજા જ કંઇ ઓર હતી.
દિવાળીના સમયે પણ દસ - પંદર દિવસ પહેલાં જ પિતાજી ફટાકડા લેતા આવે અને દિવાળી સુધીમાં તો અડધા ફટાકડા ફોડી નાખતા.
એ સમયે ટી.વી. કે મોબાઇલ નહોતા, ક્રિકેટ જેવું ગાંડપણ નહોતું, માટે ગીલ્લી - દંડા, ખો-ખો, કબડ્ડી, પકડ દાવ, અંતાક્ષરી અહાહા ! શું કહું, વરસાદમાં પલળતાં, વરસાદનાં વહેતાં પાણીમાં કાગળની હોડીઓ બનાવી તરાવવા મૂકતા, પાણીના ખાબોચીયામાં છબછબીયાં કરવા, એકબીજા પર પાણી ઉડાડવું, આ બધું કરવાની મજા જ કંઇ ઓર હતી.
સ્કૂલના દિવસોમાં દફતરમાં પેન અને સ્લેટ, ચોપડીઓ
- નોટો લઇને ભણવા જવાનું, નાનાં નાના પેનનાં ટુકડાઓથી દફતર ભરાઇ ગયું હોય, જાણે કીંમતી વસ્તુ હોય તે રીતે ટુકડાઓનો સંગ્રહ કરતાં. સફેદ શર્ટ અને બ્લ્યુ કલરની ચડ્ડી ગણવેશ. જે પહેરીને સ્કૂલે જતા. દોસ્તારો સાથે ધીંગા-મસ્તી કરવાની, ૧૫મી ઓગસ્ટ કે ૨૬ મી જાન્યુઆરીએ વહેલી સવારે સ્કૂલમાં પહોંચી જવાનું. રાષ્ટ્રધ્વજ ને સલામી આપી, રાષ્ટ્રગીતો ગવાતા. પરીક્ષાના સમયે આખી રાત વાંચવાનું,
સાથે
- સાથે મમ્મી - પપ્પા પણ જાગતા રહે અને સમજાવે.
એ દિવસોમાં જ્યારે ભારત - પાકિસ્તાન નું યુધ્ધ થયું ત્યારે એમ થતું કે આ મોટાઓ શા માટે લડતા હશે ? તોફાનો દરમ્યાન લોકોનાં ઘર, માલ-સામાન લૂંટાતા, બળતા જોઇને નાનકડા મગજમાં અરેરાટી અને આ બધું કરનારા સામે નફરત થઇ જતી, લોકો આવું કેમ કરતા હશે તે જ સમજાતું નહોતું.
આજે મોટાં થઇને પસ્તાવો થાય છે કે શું કામ મોટા થયા ? નોકરી-ધંધાનું ટેન્શન, ઘરનું ટેન્શન, સામાજિક ટેન્શન, ઘડીભરની ફુરસદ નહીં, ના તો એ દિવસોની જેમ આજનું વાતાવરણ, એ ભલા - ભોળાં લોકો, એ સ્કૂલની દિવસોની મજા ક્યાં ગયું ? અફસોસ થાય છે કે મોટા શું કામ થયા ? કાશ,
એ બચપન મને પાછું મળી
જાય તો હું ગમે તે કરવા તૈયાર છું. પણ ગયેલા દિવસો ક્યારેય પાછા આવે છે ?આપણે તો બસ એ દિવસો નું સંસ્મરણ કરીને, ભૂતકાળમાં ખોવાઇ જઇ, આનંદ જ લેવો રહ્યો.
બચપનની યાદો ઉપર તો અગણિત ફિલ્મી ગીતો લખાયેલ છે -
દા.ત.
(૧) રફી સાહેબે ગાયેલ ફિલ્મ દિલ એક મંદિર નું ગીત : યાદ ના જાયે બીતે દિનોં કી, જાકે ના આયે જો દિન, દિલ ક્યું બુલાયે ઉન્હેં.
(૨) કિશોરકુમારે ગાયેલ ગીત : કોઇ લૌટા દે મેરે બીતે હુએ દિન, બીતે હુએ દિન વો હાયે, પ્યારે પલ છીન.
(૩) મુકેશે ગાયેલ ગીત : આયા હે મુઝે ફીર યાદ વો ઝાલીમ, ગુજરા જમાના બચપન કા, હાયે રે અકેલે છોડ કે જાના ઔર ના આના બચપન કા.
(૪) લતા મંગેશકરે ગાયેલ ગીત : બચપન કી મોહબ્બત કો, દિલસે ના જુદા કરના.
(૫) શમશાદ બેગમે ગાયેલ ગીત : બચપન કે દિન ભૂલા ન દેના. આજ હંસે, કલ રૂલા ના દેના.
(૬) સુરૈયાએ ગાયેલ ગીત : મેરે બચપન કે સાથી મુઝે ભૂલ ના જાના, દેખો દેખો હંસે ના જમાના.
બસ, આજે આટલું જ. વધુ હવે પછી...
#TodaysFact #TodaysFactSamachar #GujaratiMagazine #TodaysFactAndroidApp #Google+ #Facebook #Twitter #SocialMedia #Instagram #Health #Education #Travel #Sports #Youtube