અમીર અને ગરીબ વચ્ચેના અંતરને દુર કરવામાં આવશે તે વાત અને નારા સાંભળતા સાંભળતા હવે અમે થાકી ગયા છીએ પરંતુ ખીણ એવી છે કે વધુને વધુ પહોળી જ થતી જાય છે. અમીર વધારે અમીર બની રહ્યા છે જ્યારે ગરીબ વધારે ગરીબ બની રહ્યા છે. ઓક્સફેમની સંસ્થાના રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો દેશની ૫૮ ટકા સંપત્તિ પર માત્ર એક ટકા લોકો જ પ્રભુત્વ ધરાવે છે. આ જ સ્થિતી સમગ્ર દુનિયામાં પણ છે. સ્વંતત્રતાના છેલ્લા ૭૦ વર્ષના ગાળાથી દેશના લોકો ગરીબી હટાવોના નારાને સાંભળતા આવી રહ્યા છે. ક્યારેક ક્યારેક તો નાના ચૂંટણી મુદ્દા બનીને હાર અને જીતમાં ભૂમિકા પણ અદા કરે છે. પરંતુ તેની અસર જમીન પર ક્યારેય દેખાઇ નથી. અમીર વધારે અમીર બને તેના કારણે સામાન્ય લોકોને કોઇ પણ તકલીફ થતી નથી. પરંતુ તકલીફ એ બાબતથી થાય છે જે અસમાનતાની નિતી નક્કી કરે છે. અસમાનતાની ખીણને વધારે પહોળી કરનાર નિતીઓને લઇને પરેશાની ચોક્કસપણે થાય છે. દરેક સરકાર વિકાસના નવા નવા નારા આપીને મોટા મોટા વચન આપતી રહે છે પરંતુ હકીકતમાં કોઇ અસરકારક સ્થિતી દેખાતી નથી. વિકાસની બાબતો તો માત્ર કાગળ સુધી જ મર્યાદિત રહી જાય છે. ચૂંટણીમાં બેઘર રહેલા લોકોને ઘર આપવા, બેરોજગાર લોકોને રોજગારી આપવા માટેના વચન આપવામાં આવે છે. સાત દશકના ગાળા બાદ પણ ચૂંટણી રોટી કપડા અને મકાનના મુદ્દે જ લડવામાં આવે છે તે ચિતાજનક અને શરમજનક બાબત છે. સામાન્ય લોકોને પરેશાની એ બાબતને લઇને પણ નથી કે એક ટકા ધન કુબેરોની પાસે જ ૫૮ ટકા સંપત્તિ કેમ છે ? સ્વાભાવિક છે કે તેઓ કારોબાર કરીને પોતાની સંપત્તિમાં વધારો કરે છે. દેશની અસલ પરેશાની એ નેતા અને અધિકારી છે જે કોઇ પણ જોખમ લીધા વગર અબજોમાં રમી રહ્યા છે. કમીશનખોરીના નામે અને લાંચના નામે દેશને નુકસાન કરી રહ્યા છે. એકબીજા પર ભ્રષ્ટાચારના આરોપો તો મુકે છે પરંતુ સત્તામાં આવ્યા બાદ તમામ બાબતોને ભુલી જાય છે. એક બે અધિકારી ક્યારેય પકડાઇ જાય છે પરંતુ તે ભ્રષ્ટાચાર રોકવાના પગલા તરીકે પકડાતા નથી બલ્કે રાજકીય પક્ષોની બદલાની ભાવનાના કારણે પકડાઇ જાય છે. ચૂંટણીના સમયમાં કેટલાક લાલચી વચન આપવા સિવાય સરકાર કોઇ નક્કર પગલા લેતી નથી. આવી સ્થિતીમાં અમીર અને ગરીબ વચ્ચે અંતર તો ચોક્કસપણે વધે તે સ્વાભાવિક છે. એક વર્ગ એ છે પોતાની ઓળખનો ફાયદો લઇને પોતાની સંપત્તિને સતત વધારી દેવાના કામમાં છે. તેને સફળતા મળી રહી છે. તેની સંપત્તિ અનેક ગણી અતિ ઝડપથી વધી રહી છે. બીજા વર્ગમાં રહેલા લોકો એવા છે જે જેમ તેમ પણ જીવનની ગાડીને ખેંચવામાં લાગેલા છે. ટુંકમાં અંતર ખુબ વધારે છે. અમીર અને ગરીબ વચ્ચે અંતર દુર કરવા માટે ઇચ્છાશક્તિ સાથે પ્રયાસ કરવામાં આવે તે જરૂરી છે. ઇચ્છા શક્તિ સાથે અસરકારક પરિણામલક્ષી યોજના બનાવીને અંતરને દુર કરવાના પ્રયાસ કરવામાં આવે તો ચોક્કસપમે અમીર અને ગરીબ વચ્ચે રહેલી ઉંડી ખીણને ભરવામાં મદદ મળી શકે છે. નિતીઓમાં સુધારા કરવાની તાકીદની જરૂર હવે દેખાઇ રહી છે.